31/08/2026
ભાયલી દુષ્કર્મ કેસમાં પાંચેય આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ, પીડિતાને ₹10 લાખ વળતરનો આદેશભાયલી દુષ્કર્મ કેસમાં પાંચેય આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ, પીડિતાને ₹10 લાખ વળતરનો આદેશ
વડોદરાના ચકચારી ભાયલી દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2024માં નવરાત્રિના બીજા નોરતે સગીરા સાથે બનેલી આ અમાનુષી ઘટનામાં કોર્ટે તમામ પાંચ આરોપીઓને અગાઉ દોષિત જાહેર કર્યા હતા, જે બાદ આજે સજા સંભળાવવામાં આવી છે.
કોર્ટે મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરુખ કિસ્મત અલી બનજારા, સૈફ અલી મહેંદી હસન બનજારા અને અજમલ સત્તાર બનજારાને દોષિત ઠેરવી કઠોર સજા ફટકારી છે. તમામ આરોપીઓને 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે જ ભોગ બનનારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલો દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સાથે જ CCTV ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓ પણ મહત્વના સાબિત થયા હતા. સરકારે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્રણ સરકારી વકીલોની નિમણૂક કરી હતી.
ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું હતું કે સ્ત્રી સમાજનું મહત્વનું અંગ છે અને આવા ગંભીર બનાવને હળવાશથી લઈ શકાય નહીં. સરકાર દ્વારા ‘બેટી બચાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારનું કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હોવાનું કોર્ટે નોંધ્યું હતું. પીડિતાનું દુઃખ અને કેસની ગંભીરતાને અદાલતે ગંભીરતાથી લીધી હોવાનું પણ જણાવ્યું હતું.
આજે તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા સંભળાવી હતી. વડોદરામાં આ પ્રકારના કેસમાં આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.