
07/05/2025
વડોદરાનો હજીરા - કુતુબુદ્દીન મોહમ્મદખાનનો મકબરો, જાણો શું છે ઇતિહાસ....
વડોદરાના વૈભવી ઇતિહાસના ખજાનામાં સચવાયેલું એક કિંમતી ઘરેણું એટલે કુતુબુદ્દીન મોહમ્મદખાનનો મકબરો. સામાન્ય લોકોમાં ઓછો જાણીતો પણ કલા-ઇતિહાસ રસિયાના હૈયામાં વસેલો મકબરો આજે પણ અડીખમ છે. અને વડોદરાના ભૂતકાળમાં સમાયેલા વૈભવની જુબાની આપી રહ્યો છે. અને એની સામે આવેલ કોયલી વાવનો પણ ઇતિહાસ જોડાયેલો છે, જેમાં ચામડીનો રોગ થયો હોય અને વાવના પાણીથી નાહવામાં આવે તો રોગ મટી જાય છે. એવી માનતા જોડાયેલી છે. જે વિશેની જાણકારી વડોદરાના ઇતિહાસકાર અને આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલે જણાવી છે.
વડોદરાની દક્ષિણે મકરપુરા જતા માર્ગમાં ડાબી બાજુએ વિશાળ મેદાનની મધ્યમાં આ ઇમારત આવેલી છે. અહીં ક્યારેક દંતેશ્વર ગામનો સીમાડો હતો. આ જ જગ્યાએ આવેલી આ ઇમારત વડોદરાવાસીઓની જીભે હજીરા તરીકે અથવા તો કુતુબુદ્દિન મકબરા તરીકે ઓળખાય છે. હજીરા તરીકે પ્રખ્યાત આ મકબરો કુતુબુદ્દીન મોહમ્મદખાન , જે એક સંત હતા જેમને ઈ.સ. 1583 ના ગુજરાતનાં અંતિમ સુલ્તાન મુજફ્ફર શાહ ત્રીજા દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા અને તેઓનાં પુત્ર નૌરંગખાન, જેમણે મુગલ બાદશાહ અક્બરનાં તાબા હેઠળનાં ગુજરાતનમાં મહત્વપૂર્ણ કાર્યાલયોનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓની કબરો છે.
બેવડા ગુંબજવાળા આ મકબરાનું બાંધકામ ઇ.સ. 1586 માં મુગલ સ્થાપત્ય કલા શૈલીમાં થયું હતું તે દિલ્હીનાં હુમાયુનાં મકબરા જેવો દેખાય છે. તેને અષ્ટકોણ આકારનાં ઊંચા ચોતરા ( પ્લેટફોર્મ ) પર રેતાળ પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યો છે. જેની ચારે દિશાઓમાં નાનાં - નાનાં દરવાજા છે, જ્યારે દરેક ખૂણામાં પાંચ - પાંચ કમાનોની વ્યવસ્થા છે. મૂળ કબર ભૂગર્ભ કક્ષમાં છે. જ્યારે તેની પ્રતિકૃતિ કબર ઉપરનાં મુખ્ય કક્ષમાં છે. કક્ષની બારીઓમાં નક્શીદાર જાળીઓ બનાવેલી છે અને તેમાં અરબી ભાષામાં કુરાનની આયાતો કંડારેલી છે. જાણે કે ત્યાં એક બગીચા - સમાધિ હોય તેવું પ્રતીત થાય છે.
છેલ્લા ચાર શતક્થીય વધુ સમયથી અડીખમ ઊભેલી એ ઇમારત પોતાના પ્રત્યેક પથ્થરમાં છેલ્લા ચારસોથી વધુ વરસોના ઇતિહાસને જતનપૂર્વક સંભાળી રહી છે. જમીનથી 12 ફૂટની ઊંચાઇએ અષ્ટકોણ આકૃતિ જેવી આ ભવ્ય ઇમારતમાં મુઘલ સ્થાપત્યનાં તમામ લક્ષણો મોજૂદ છે. અંદર પ્રવેશ કરતા જ આપણી નજર સામે સુંદર બગીચો દૃશ્યમાન થાય છે જે પ્રસિધ્ધ મુઘલ સ્થાપત્ય ‘ ‘ ચારબાગ ’ ’ ને ઉજાગર કરે છે. સમગ્ર બગીચાને વેધતા બે રસ્તાઓ જે વચ્ચે મળે છે તે બાગને ચાર ભાગમાં વિભાજિત કરે છે. આથી તે ચારબાગ કહેવાય છે. હજીરાની ભવ્ય કમાનો હજી પણ અડીખમ ઊભી છે. તો હજીરા કે મક્કામાં આવેલા ગોખલાઓ પણ પોતાના ઘાટ સંભાળી રહયા છે. મુખ્ય ઇમારતની ફરતે વચ્ચે આવેલી પથ્થરની જાળીઓ સફાવી પર્શીયન સ્ટાઇલનો પરિચય કરાવે છે તો ઇમારતની અંદરની અને બહારની બાજુઓ ૫૨ કુરાને શરીફ્ની આયાતો કંડારાયેલી જોવા મળે છે. આ મક્બરાની નીચે એક ભોંયરું હોવાની વાત આપણે ક્યારેક ને ક્યારેક તો વડીલો પાસેથી સાંભળી જ હશે. આ ભોંયરામાં થઇ પાવાગઢ સુધી જવાય છે એવી દંતક્થા પણ પ્રચલિત છે. પરંતુ આ બાબતે કોઇ આધારભૂત પુરાવાઓ મળી આવ્યા નથી.
#વડોદરા