
29/06/2025
● લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે, વોલ્ટેજની સમસ્યા પણ હલ થશે - મંત્રીશ્રી કનુભાઈ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ખાતે રૂ. ૧૭.૯૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી.છીરી સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જેટકો દ્વારા છીરી માટે આ ખૂબ જ સરસ આયોજન છે. આ સબ સ્ટેશનથી સંબંધિત ગામો અને વાપી જીઆઇડીસી ને ઘણો ફાયદો થશે. સબ સ્ટેશનથી લોકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહેશે તેમજ વોલ્ટેજની સમસ્યા પણ હલ થશે. આજે સમગ્ર દેશમાં ગુજરાતમાં માથાદીઠ વીજવપરાશ વધુ છે. જેને પહોચી વળવા માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે. સારો વીજપુરવઠો મળવાથી ખેતીવાડી, ઉદ્યોગો અને શહેરોનો પણ સારો વિકાસ થયો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોના સમયે પણ વીજ કંપનીના કર્મચારીઓ સતત કાર્યરત રહી વીજ પુરવઠો પહોચાડે છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગથી અનેક સમસ્યાઓ ઉકેલાશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ વીજકાપ અટકાવા જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલીંગ કરવા પર ભાર મૂક્યો છે.
છીરી સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ૪૦ એમ.વી.એ. છે. જેમાં ૧૧ કેવીના જ્યોતિગ્રામ અને ૪ ઇન્ડસ્ટ્રીયલ ફિડરો સ્થાપિત છે. નવા સ્થાપિત સબ સ્ટેશન દ્વારા છીરી, છરવાડા, કોચરવા સહિત ચાર ગામોના ૩૪,૭૮૮ લોકોને સાતત્ય પૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી મળી રહેશે. સબસ્ટેશનથી સંબંધિત વિસ્તારોને પૂરતા દબાણથી ગુણવત્તા સભર વીજળી મળશે, ફિડરોની લંબાઈ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે, ખેતી-બિનખેતીમાં વિના વિક્ષેપ વિજળી પહોંચશે અને નવા વીજ જોડાણો આપી શકાશે.
વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!