આપની સંસ્કૃતિ

આપની સંસ્કૃતિ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from આપની સંસ્કૃતિ, Digital creator, Vav.

*જવાંમર્દ DSP નો જબરદસ્ત વનપ્રવેશ : એક વિરલ ઘટના*———————————————-                              ©️ જગદીશ ત્રિવેદી હિન્દુ ...
11/01/2025

*જવાંમર્દ DSP નો જબરદસ્ત વનપ્રવેશ : એક વિરલ ઘટના*
———————————————-
©️ જગદીશ ત્રિવેદી

હિન્દુ ધર્મમાં જે આશ્રમ વ્યવસ્થાનો વિચાર છે એ હજારો વરસ જૂનો છતાં નિત્યનૂતન છે. આજે પશ્ચિમની સંસ્કૃતિમાં પણ એનો સ્વીકાર થવા લાગ્યો છે.
પહેલી પચીસી ( ૧ થી ૨૫ વરસ ) બ્રહ્મચર્યનું પાલન અને વિદ્યાભ્યાસ, બીજી પચીસી ( ૨૬ થી ૫૦ વરસ ) ગૃહસ્થાશ્રમ અને પ્રામાણિકતાથી અર્થ ઉપાર્જન ( અહીં પ્રામાણિકતા નીચે અન્ડરલાઈન સમજવી )
ત્રીજી પચીસી ( ૫૧ થી ૭૫ વરસ ) વાનપ્રસ્થ આશ્રમ , જેમાં પોતાનો કારોબાર નાનાભાઈ, ભત્રીજા કે પુત્ર જેવા ઉત્તરાધિકારીને સોંપીને પોતે એક આંખ વન તરફ અને બીજી આંખ સદન તરફ રાખીને જીવવું ( જે ૧૨/૧૦/૨૦૧૭ થી હું જીવી રહ્યો છું ) અને છેલ્લી પચીસી શરું થાય કે સંન્યાસ લઈને સંસાર છોડી દેવો.
હું છાતી ઠોકીને કહું છું કે હિન્દુ ધર્મના આ ચાર આશ્રમને ૨૦૨૫ માં પણ જે અનુસરે એના જીવનમાં દુઃખ નહીં આવે. એના પરિવારમાં ઝઘડા નહીં થાય.
થોડાં દિવસ પહેલાં જૂનાગઢમાં એક એવી વિરલ ઘટના બની છે જે એકવીસમી સદીમાં ભાગ્યે જ જોવા મળે. એક જાંબાઝ જીલ્લા પોલિસ વડા નામે હર્ષદભાઈ મહેતાએ બરાબર પચાસ વર્ષની ઉંમરે પોતાની ઝળહળતી કારકિર્દી છોડીને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું છે. આ માણસે તો લગ્ન પણ નથી કર્યા એનો મતલબ કે પહેલા પચીસ વરસ બ્રહ્મચર્યાશ્રમ, બીજા પચીસ વરસ બ્રહ્મચર્ય સાથે સેવાશ્રમ અને હવે વાનપ્રસ્થાશ્રમ અથવા સીધો સંન્યાસાશ્રમ.
એમના ભાગ્યશાળી પિતાજીએ હરખથી નિતરતી આંખે કહ્યું કે મારા દીકરાએ લગ્ન ન કર્યુ પણ અત્યારે એની નિવૃત્તિ અને ત્યાગની ભાવનાને વધાવવા જે રીતે સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટ્યો એ જોઈને અમારો જન્મારો સાર્થક થઈ ગયો.
મહેતાસાહેબને વિદાય આપવા એટલું માણસ આવ્યુ કે જાણે જૂનાગઢમાં ભવનાથનો મેળો ભરાયો હોય, આમ પણ ભવનાથનો મેળો એ ત્યાગીઓનો મેળો છે.
આ મહેતાસાહેબને સરકારની કોઈ કનડગત નહોતી, એમની સરકારમાં કોઈ ફરીયાદ નહોતી , એમની કામગીરી જરાપણ નબળી નહોતી , એમને ટૂંક સમયમાં D.I.G. નું કદાચ પ્રમોશન મળી શકે એમ હતું. છતાં સાપ કાંચળી ઉતારે એમ આ માણસે ખાખી વર્દી, પોતાનું પદ અને છ આંકડાના પગારનો ત્યાગ કરી દીધો છે. એ પણ શા માટે ? અધ્યાત્મના માર્ગ પર જવા માટે. પોતે જન્મે તો બ્રાહ્મણ છે પરંતુ કર્મે પણ બ્રાહ્મણ બની રહેવા માટે. જે બ્રહ્મને સાધે તે બ્રાહ્મણ.
આજે રુપિયાવાળા થવા માટે નકલી રેમડેસિવિર બનાવી માણસની જીંદગી સાથે રમત રમી શકાય છે. આજે ઓપરેશનની જરુર ન હોય છતાં અનેક દર્દીનાં ખોટાં ઓપરેશન કરીને કરોડપતિ થવાય છે. આજે ખોટી સ્કીમો બનાવી અનેકને ચૂનો ચોપડી રાતોરાત રુપિયાવાળા થવાય છે. આજે રુપિયા માટે સગાં ભાઈઓ વચ્ચે સંબંધ નથી - પતિપત્ની વચ્ચે સંબંધ નથી. - બાપ દીકરા વચ્ચે સંબંધ નથી એટલી હદે પૈસો માણસના દીલદિમાગમાં છવાઈ ગયો છે ત્યારે કોઈ આવડી મોટી પોસ્ટ મૂકી દે એ સાલું અજાયબી જેવું લાગે છે નહી. ??
એમાં પણ પોલિસખાતાનો ઓફીસર , જે ખાતામાં સો-બસો રુપિયા માટે દેશને નુકશાન કરી નાના-મોટાં તોડપાણી થતાં રહે એવા કટકીખોર ખાતાનો આવડો મોટો ઓફીસર આ રીતે પદ પૈસો અને પ્રસિદ્ધિ છોડી શકે એ માટે ૩૬ ની નહી ૭૬ ની નહી પણ ૯૬ ની છાતી જોઈએ.
એક હર્ષદ મહેતા મુંબઈમાં થઈ ગયા જેમની પાસે લાખો રુપિયા હતા છતાં સંતોષ નહોતો અને આ જગત છોડીને ગયા ત્યારે એક પાઈ પણ સાથે લઈ જઈ શક્યા નહી. બીજા આ હર્ષદ મહેતા નરસિંહ મહેતાના ગામમાં થયા જે સંતોષથી બઘું છોડી ગયા અને એમણે ત્યાગીને ભોગવી લીધું.
લાખ લાખ અભિનંદન મહેતાસાહેબના ત્યાગને - સંતોષને - સમજણને અને સાદગીને.
©️ જગદીશ ત્રિવેદી

આકાશનાં છોરું દેવશંકર મહેતા 🍂👌
09/01/2025

આકાશનાં છોરું દેવશંકર મહેતા 🍂👌

 #ઘોડાની_જાતી_પ્રજાતિ_અને_બીજી_કેટલીય_જાણી_અજાણી_માહિતીઆપણી સંસ્કૃતિ આપણો વારસો લેખ - ચેતનસિહ ઝાલા    પ્રાચીન  સમયથી ઘોડ...
08/01/2025

#ઘોડાની_જાતી_પ્રજાતિ_અને_બીજી_કેટલીય_જાણી_અજાણી_માહિતી

આપણી સંસ્કૃતિ આપણો વારસો
લેખ - ચેતનસિહ ઝાલા

પ્રાચીન સમયથી ઘોડાઓ(અશ્વો)ને વિરતાનું પ્રતિક માનવામાં આવે છે. શુરવીરો ઘોડાઓને જ પોતાનો સાચો મિત્ર ગણતા. મહારાણા પ્રતાપ જેવા મહાયોદ્ધાએ તો પોતાનાં પ્રાણ સમા ચેતક ઘોડાનાં મૃત્યુ બાદ ચોધાર અશ્રુઓ વહાવ્યા હતા.આ વાતથી જાણ થાય છે કે ઘોડાઓ માટે શુરવિરોનાં હ્રદયમાં શુ જગ્યા હશે!!
દુનિયામાં 350 થી પણ વધુ ઘોડાઓની જાતી-પ્રજાતિ હોવાનું મનાય છે. તેમા આરબી અશ્વ, થ્રુબીડ અશ્વ જેવી ઘણી વિશ્વ વિખ્યાત જાતો છે. અહીં તમને ઘોડાઓ વિશેની કેટલીક જાતિ-પ્રજાતિઓ અને તેમની જાણી-અજાણી વાતો જણાવતા મને ખુશી થાય છે.

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા

એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની મોઝાણ માં, મુશ્કેલ ભોમને માથે આવા ભલા કાંઠાળા અને ખંતીલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ રૂપાળો ને ખમીરવંતા અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની પ્રેમિકાને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા એટલે કે કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.

આમ તો ઘોડો નામ પ્રસિધ્ધ છે. પણ તેને તુરગ , હય , અશ્વ, તોખાર , વાજી, વીતી અર્વા વગેરે નામથી પણ ઓળખવામાં પણ આવે છે.
આ પૃથ્વી પરના બધાજ પ્રાણીમાં ઘોડાને જ ખરેખરો નર કહેવાય છે. કારણકે તે એકલાને જ સ્ત્રીચિહ્ન એટલે કે સ્તન હોતા નથી. અને અન્ય પ્રાણીઓ કરતા સુંદર બાંધો અને દેખાવ પણ ઘોડા માં જ હોઈ છે.

એમ કહેવાય છે કે ઘોડા પાસે શેતાન /કાળ આવી શકતો નથી.મૃત્યુ થવાના ૪૦ દિવસ અગાઉ તેને ખબર પડી જાય છે.

ઘોડા વિશે એક કહેવત કહું તો;

"ઘોડા તુજ મેં તીન ગુણ , અવગુણ પણ ભરપૂર ,
છેટેથી ભેળા કરે , (પાછા) લઇ જાય દુરમ દૂર".

મારા વાંચવામાં આવેલ ઘોડાની પ્રજાતિ અને જાતિ વિશે ની વાત તેના પ્રકાર,ઊંચાઈ,ઘોડા ના ગુણ-અવગુણ અને ઘોડાનું આયુષ્ય અંગેની સમગ્ર માહિતી મેં નીચે લખેલ છે.

#રંગ_અને_ગુણની_દ્રષ્ટિએ_ઘોડાની_જાતો
રંગ અને ગુણ ઉપરથી ઘોડાની ચાર મુખ્ય જાતો માનેલી છે:
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.

૧-બ્રાહ્મણ : જાણકારો એવું કહે છે કે જેની ઉત્પતિ જળમાંથી થઈ હોય તે બ્રાહ્મણ જાતિનો અશ્વ ગણાય છે. આ ઘોડાના શરીરની વાસ ફળ અથવા દૂધ જેવી હોય. તે સ્વભાવે ગરીબ અને દયાળુ હોય. પાણીમાં મોઢું ડૂબાડી પાણી પીએ. તેને ઘેર રાખ્યાથી ધનવૃદ્ધિ થાય.

૨-ક્ષત્રિય : અગ્નિમાંથી જેની ઉત્પતિ થઈ હોય તે ઘોડો ક્ષત્રિય જાતિનો ગણાય છે. તેના શરીરની વાસ બકરા કે અગરૂ જેવી હોય. તે ચંચળ અને બળવાન હોય છે. પાણી પીતાં હોઠ બીડી ખરી ઠોક્યા કરે છે. તે લડાઈ માટે પસંદ થાય છે. રાજા-મહારાજાઓ આ જાતનાં ઘોડાને સૌ પહેલો પસંદ કરે છે.

૩-વૈશ્ય : પવન માંથી જેની ઉત્પત્તિ થઈ હોય તે ઘોડો વૈશ્ય જાતિમાં આવે છે. તેના શરીરની વાસ ઘી જેવી હોય છે. પાણી પીતાં તે નાકને પાણીમાં ડૂબાડે. આ ઘોડાની સવારી સુખ આપનારી મનાય છે.

૪-શૂદ્ર : જમીનમાંથી જેની ઉત્પતિ થઈ હોય તે શુદ્રજાતિનો ઘોડો શિકાર પ્રસંગે શુભ ફળ આપનારો મનાય છે. તેના શરીરની વાસ માછલી જેવી હોય. પાણી પીતાં તે પાણીને નાક અડાડતો નથી બીવાતા બીવાતા પાણી પીવે છે. સ્વભાવે તે ગુસ્સાબાજ અને બોજો ઉપાડવાના કામનો છે.

#ઊંચાઈ_પ્રમાણે_જાતો

ઊંચાઈ પ્રમાણે ઘોડા સાત જાતના છે : સાઠ આંગળ ઊંચો સાધુ, ચોસઠ આંગળ શ્રીવત્સ, અટસઠ આંગળ અહિલાદ, બોતેર આંગળ મનોહારી, છોતેર આંગળ વિજય, એંશી આંગળ વૈભવ અને ચોરાશી આંગળ ઊંચો ઘોડો શાંત કહેવાય છે.

#બીજી_કેટલીક_જાતો

"સોરઠિયો દુહો ભલો, કપડો ભલો સફેદ;
નારી તો નેણે ભલી, ઘોડો ભલો કુબેદ."

અર્થાત- સોરઠનો દુહો કાનને મીઠો લાગે છે. પહેરવામાં ધોળું કપડું ઉત્તમ છે. સ્ત્રીઓમાં નમણાં નેણવાળી નારી અને ઘોડામાં કુબેદ જાતિનું જાનવર શ્રેષ્ઠ ગણાય છે.

ઘોડામાં કુબેદ સિવાય બાજ, તુલાન અને તુખાર ઘોડાની આ ત્રણ ઉત્તમ જાતો ગણાય છે.
ગોગક, કેકાન અને પટ્ટહારી એ ત્રણ જાતિનાં ઘોડા મધ્યમ જાતો ગણાય છે.
રાજશલથ, સામન્ત અને ઉત્તરા એ નીચ જાતિનાં ઘોડાઓ ગણાય છે.
સિંધુપાર, સાંવરા અને ગેહોર ઘોડાની આ ત્રણ જાતો કનિષ્ટ ગણાય છે.
આ માટે જુનાં વખતમાં થઈ ગયેલા શાલિહોત્ર ઋષિએ 'અશ્વપરીક્ષા' નામનાં ગ્રંથમાં ઘોડા વિશે સંપૂર્ણ માહિતી આપી છે. ઘોડાનાં જાણકારો આજેય ઘોડાની ખોડ, શુભ-અશુભ ચિહ્નો અને તેના ભેદ પારખીને ઘોડાની ખરીદી કરે છે.

કાઠિયાવાડમાં ઘોડાની છત્રીસ જાતો મનાય છે. જે નીચે મુજબ છે.

'પીરાણી, તાજણી, ઢેલ, હેમણ, માણકી,પટી,
નોરાળી, હીરાળી વળી મૂંગી, ફૂલમાળ.
બોદલી, માછલી, રૅડી, શીંગાળી, છોગાળી, બેરી,
છપર, વાંગળી, શેણ્ય, ચાંગી, ચમળઢાળ. (૧)
ભૂતડી, દાવલી, રેશમ, કેશર, મુગટ, મૂલ્ય,
લખી, વાંદરી ને લાલ, અટારી જબાદ,
મની, રીમી, હરણી ને લાસ, મોંઘા મૂલવાળી,
એવા ધરા સોરઠારા તુરંગા ઓલાદ' (૨)

#અર્થાત : 'મૂળીમાં રેશમ, જેતપુરમાં જબાદ, ચૂડામાં બોદલી, ભામોદરામાં કેશર, પીરાણી, માણકી ને વાંદળી, દડવામાં લાસ, ગઢડામાં કેશર, બાબરામાં ઢેલ, દગડમાં ભૂતડી, ગોસલમાં ફૂલમાળ, ચોટીલામાં ચાંગી, મોણિયામાં હિરાળ, પાળિયાદમાં હરણી, લીંબડીમાં લાલ, ભડલીમાં તાજણ, ગુંદરણમાં મની, જસદણમાં રૅડી, મનચલી, ધાંધલપુરમાં લખી અને હળવદમાં ચમળઢાળ જાતિનાં ઘોડાઓ જોવા મળે છે.

#ઘોડાની_જાતિગત_વિશેષતાઓ
'તાજણ' ઘોડી ઠાણ આપે ત્યારે એને લોહી ચખાડવું પડે. એ ટાણે ઘરધણી રાતોની રાતો ઉજાગરા કરે છે અને ઘોડીને ઘેટાં કે બકરાંનો કાન કાપી લાવીને ખવડાવે છે. આ ઘોડીને લોહી ચખાડવામાં ન આવે તો એનાં વછેરાંને ખાઈ જાય છે.
ધિંગાણામાં 'હિરાળ' ઘોડી જે કામ કરે એ બીજાથી ન થાય. ઝાઝા માણસો ભાળે એટલે હિરાળ નસકોરા ફુલાવવા માંડે ને પૂંછડાનો ઝંડો ઊભો કરી, આંખો બંધ કરીને ટોળાની વચ્ચેથી નીકળી જાય. ધિંગાણુ જામ્યુ હોય ત્યારે આ ઘોડી હડી કાઢીને માણસો વચ્ચેથી નીકળી જાય. ધણીનાં માથે એક ઘા પણ પડવા ન દે. આ ઘોડી એક જ વખત ઠાણ દે છે.
એવું જ 'ફૂલમાળનું' છે. આ ઘોડી ઠાણ ઘણાં દે છે પણ એમાંથી એકાદ વછેરું પરાણે જીવે છે. આ ઘોડીને ગમે ત્યાં રેઢી મુકો તો ત્યાંથી ડગલુંય ખસે નહિ.

#રંગ_પરથી_ઘોડાનાં_નામો
જે ઘોડાનાં શરીરનો રંગ ધોળો હોય ને ચારે પગનો રંગ કાળો હોય એને 'જમદત', જેની જીભ અને શરીરનો રંગ રાખ જેવો હોય એને 'ભસ્મી', આખા શરીરનો રંગ એક જ હોય અને એમાં બીજા રંગનું ટપકું હોય તેને 'પુસ્પાક્ષ', જેના અંગે સર્વ રંગ મળેલા હોય અને એમાં બીજા રંગનાં બિંદુ હોય એને 'મિશ્રાંગ', જેના તાળવાનો રંગ કાળો હોય તેને 'કૃષ્ણતાળું' જેના શરીરનો રંગ ધોળો અને મોઢાનો રંગ કાળો હોય તેને 'કાળમુખ', જેના શરીરનો રંગ ગમે તે જાતનો હોય પણ ફક્ત જમણા પગનો રંગ ધોળો હોય એને 'મુશળ', શરીરનો રંગ ગમે તેવો છતાં જાંઘનો રંગ કાળો હોય તે 'અમંગળ', શરીરનો રંગ ગમે તે હોય પણ કાળા રંગનું તિલક હોય તેને 'અરુણાંજન' અંગનો રંગ ગમે તે હોય પણ કાળા રંગનું તિલક હોય તેને 'કાળંજન', અંગનો રંગ ગમે તે હોય પણ શ્વેત તિલક હોય તો 'શ્વેતાંજન', શરીરનો રંગ ગમે તે હોય પણ જે ઘોડાનાં કપાળમાં કાળિયાર મૃગનાં જેવુ તિલક હોય તેને 'પદ્માંજન', જેના કપાળે ધોળું ટીલું હોય પણ વચ્ચે અંતર હોય તો તેને 'અર્ધાંગી', શરીરનો રંગ ગમે તે હોય પણ ચાર પગનો રંગ શ્વેત હોય તો તેને 'કંચુકી', અંગનો રંગ ગમે તે હોય પણ માથાથી પૂંછડા સુધી ડોર હોય તેને 'મગર', ઘોડાનાં શરીરનો રંગ લાલ હોય અને તેનાં પર ધોળાં ટપકાં હોય તો તેને 'પહોપકચ્છી', જેનો રંગ ફક્ત લાલ જ હોય તેને 'તામ્ર' અને જેના શરીરનો રંગ ગમે તે હોય પણ નાકની ડાંડીનો રંગ સફેદ હોય તેને 'દૂત' કહે છે.

#ઘોડાનાં_કેટલાક_અપલક્ષણો_અને_એબ(ખોડ)
ઘોડાના અંગ અને રંગ ઉપરથી શાલિહોત્ર ઋષિએ અશ્વપરીક્ષામાં ઓગણીસ ખોડ્યો જણાવી બતાવી છે. પણ જાણકારો ઘોડાનાં આઠ અપલક્ષણ અને અઠ્ઠાવીસ એબ(ખોડ) ગણાવે છે.

'નાગણ, પડતલ, ગંઠછોડ, જડતલ, જેહ;
કડકણ, ભડકણ, મારકણ, આઠ અગણ તૂરિ એહ.'

👆આ થયા ઘોડાનાં આઠ અપલક્ષણ.

'કોદાળ, ખંપાલ, કૃષ્ણતાલ, ને ગંઠિયો ટાંકી;
આંસુઢાળ, ગલકટો, ફેર ને બેડાંફોડ.
વાકિયાત્રુટ ને દળભંજણો ને ધોળાપાંપણ;
સાપણી, નનામી, કૂખ પાગડારીત્રોડ. (૧)
ભમરો ઉરમાં, ગુડાવાળ, છટાભાંગ, ખેડાઈ;
ગોમથની, વીંછીયો ને ફની અનીફેબ.
એકંડી, ફીચિયાંગોમ, સુસણો ઉપાડખીલા;
આઠ અપલખણ ને અઠ્ઠાવીસ એબ. (૨)

#અર્થાત : કોદાળ એટલે જે ઘોડાની ઉપલી ઝાડી લાંબી હોય, ખપાળ(ઊંધકોદાળ) એટલે નીચલી ઝાડી લાંબી હોય, કૃષ્ણતાલ એટલે જેનું તાળવું લાંબુ હોય, ગંઠિયો એટલે જેને એક સુંવાળિયો હોય ટાંકી એને કહેવાય, જેની આંખોમાં કેરિયું હોય આંખનાં ખૂણાથી કપાળ સુધી ભમરી હોય એને આંસુઢાળ, જે ઘોડાને નરઢાતી વચ્ચે શેડ્ય અને છેડે ભમરી હોય તેને ગલકટો, કપાળમાં ઉપરાઉપરી ત્રાંસી બે ભમરિયું હોય તેને બેડાંફોડ કહે છે. આ ઘોડી ઘરમાં આવે તો ઘરનું બેડું નક્કી ફોડે. ઘરવાળાની બૈરી મરણ પામે. જે ઘોડાની કાખની એક તરફ ભમરી હોય તેને વાધિયાત્રુટ, જેના કપાળે ધોળા ટીલામાં બીજા રંગનો ચાંલ્લો હોય તેને દળભંજણો, જેની પાંપણ ધોળી હોય તેને ધોળાપાંપણ, જેને ત્રણ વાઘિયા હોય તે સાપણી, જેને ચાર વાઘિયા હોય તે નનામી(ઠાઠડી), જેની કૂખે ત્રણ ભમરી હોય તે કુંખ, પેગડાંની જોડે બે બાજુ ભમરિયું તે પાગડારીત્રોડ, ઉરમાં છાતીએ ભમરી હોય તેને ગુડાવાળ, ગોઠણ વાળીને ઊઠનાર છટાભાંગ(છત્રભંગ-કવૈયો), જેને પેટ ભમરી હોય એ ગોમથની, જેના પૂંછડાની અડી વાંકી હોય તેને વીંછિયો, જેની ફીસે ભમરી હોય તેને ફનીઅની ફેબ, જેને એક વાઘિયો હોય તે અકંડી, જેની જીભ સુસ્યા કરતી હોય તે સુસણો, જેને આગલા પગે મૂઠિયા પર ભમરી હોય તેને ઉપાડખીલા કહેવામાં આવે છે.
ઘોડાનાં વાંહામાં, આગલા પગના પેટ વચ્ચે, કાને, કેડ્યે, નાભીએ અને હોઠની પાસેના ભમરા અશુભ ગણાય.
જેની આંખોની નીચેની શ્વેતતા લાલ અથવા સૂકાં પર્ણના રંગ સમાન દેખાય તે અશ્વ ખરીદવો નહીં.જેના નેત્રના ખૂણામાં નખ પડદો માલૂમ પડે તેને વર્જ્ય ગણવો.
જે ઘોડાના મુખનો ઘેર અલ્પ હોય અને તેમાં જે સુગમતાથી લગામ લઈ શકતો ન હોય તેમ જ જેનો અધરોષ્ઠ ઉપરના ઓષ્ઠથી અલગ રહેતો હોય તે અશ્વ વૃદ્ધ જાણવો. તે સત્વર મૃત્યુ પામે છે.

#ઉત્તમ_ઘોડાનાં_લક્ષણો
જેના કપાળમાં ત્રણ ભમરા હોય તે ઉત્તમ ઘોડાનું લક્ષણ છે.
ચંદ્રની કળા જેવા ધવલ તિલક સ્થાને ભમરી હોય તો તે શુભ મનાય છે.જેની ડોકે એક જ ભમરાનું ચિહ્ન હોય તે અશ્વ શ્રેષ્ઠ ગણાય છે. તેને 'ચિંતામણી'ને નામે ઓળખવામાં આવે છે.
અશ્વપરિક્ષકો ચક્રવાક, મલિકાક્ષ શ્યામકર્ણ, અષ્ટમંગળ અને પંચકલ્યાણી ઘોડાને સર્વ શ્રેષ્ઠ માને છે. નીલી આંખો, ધોળા પગ અને પીળા શરીરવાળો ચક્રવાક ઘોડો અતિશ્રેષ્ઠ લક્ષણો ધરાવે છે. ચંદરમાના તેજ જેવા ધોળા પગ અને જાંબુડી શરીરવાળો મલિકાક્ષ અશ્વ ઘોડાની બધી જાતો કરતા વિશેષ પવિત્ર જાનવર ગણાય છે.
'સશક્ત અને ઉત્તમ અશ્વની ઓળખ એ છે કે એના પૃષ્ઠની રીર પહોળી ને સીધી હોય, પાંહળિયું સીધી ને બહાર નિકળી હોય, ખૂંધનો ભાગ સીધો, મજબુત અને માંસલ હોય, ઉદરનો ભાગ લટકતો હોય, અંડકોષ ફૂલેલાં ન હોય તે અશ્વ ઉત્તમ ગણાય છે.'
જેની આંખો ગોળ, મોટી, કાળી ને ચમકદાર હોય તે ઉત્તમ અશ્વ ગણાય. જેની નાસિકાનાં છિદ્ર ખુલ્લાં, શુષ્ક, પહોળાં અને મોટાં હોય, મુખ નાનું અને ઓષ્ઠ મળેલા હોય તે અશ્વ નીરોગી જાણવો.
'તેજ, ઊભા ને નિરંતર ચલાયમાન કર્ણવાળો અશ્વ ઉત્તમ લેખાય છે; પણ જેના કર્ણ મોટા પહોળા અને નિશ્ર્વલ હોય તે સુસ્ત હોય છે. જેનું લલાટ પાતળું, બહાર ફૂલેલું, મોટાં અને સુંદર ચિહ્ન હોય તે અશ્વ ઉત્તમ ગણાય છે.'
'સમર્થ ઘોડાને ૪૦ દાંત હોય છે. તેનાં ૧૬ દાંત ઉપરથી એની અવસ્થા જાણી શકાય છે. ઘોડીને કુલ ૩૬ દાંત સીધા ને એકબીજાને મળેલા હોય છે. જેમ અવસ્થા વધતી જાય એમ દાંત બહારની તરફ વાંકા વળી નીકળી જાય છે.'

#ઘોડાને_થતા_રોગો
શાલિહોત્ર ઋષિએ ઘોડાને થતા ૭૨ જાતના વ્યાધિઓ વર્ણવ્યા છે. પેટમાં જીવડાં, પડખામાં શૂળ, મૂત્રમાં લોહી જવું, પિત્ત અને વઈ, અંગે ખૂજલી, ઓછો ખોરાક, આંખમાંથી પાણી પડવું, નાકમાંથી પાણી વહેવું, કપાળમાં શૂળ થવું, મોઢામાંથી પાણી પડવું આમ બાર વ્યાધિ મુખ્ય ગણાય છે.
ઘોડાની આંખો જોવાથી ગરમ અને શુષ્ક લાગે અને શરીર સંકોચાયેલું રહે તો વાત રોગ હોય. કાન કઠણ અને ઊભા હોય તોપણ વાત રોગ હોય. જીભ ચીકણી હોય ને મોઢામાંથી લાળ પડતી હોય તો કફ ગણાય, જીભ કાળા રંગની અને શુષ્ક હોય તો વાત રોગની નિશાની છે. ઘોડાને થતા રોગમાં પેડપીડ અને મૂત્રકચ્છ જીવલેણ ગણાય છે.
ઘોડાને પેટપીડ ઊપડે ત્યારે અજમો, બોડી અજમો, હરડે, ઘોડાવજ,પાંસલૂણ, જવાસી, સૂંઠ, પીપર, સતાવર, હિંગ, જવક્ષાર અને કાળીપટ આ બધાને સરખેભાગે વાટીને એક તોલાભાર દારૂ સાથે પાવાથી ઘોડાની ગમે તેવી પેટપીડા હોય તોપણ ઘડીકમાં મટી જાય.
જો, કોઈ ઘોડાને મૂત્રકચ્છનો રોગ હોય તો ભોરિંગડીનાં ફૂલ લઈ એને ઝીંણાં વાટી ઘોડાના નાકમાં ફૂંકવા. પછી એના પર સવાર થઇને ખૂબ દોડાવવો. ત્યારબાદ તળાવનાં પાણીમાં તરાવવો. આમ કરવાથી આ રોગ જડમૂળથી મટે છે.
'સ્ત્રીની જેમ ઘોડી પણ ઋતુમતી થાય છે. ઋતુમતી ઘોડીની સંપૂર્ણ આમન્યા રાખવી પડે છે. એ વખતે આપણને ખ્યાલ આવે છે કે આ કેવું જાતવંત જાનવર છે? જાતવંત ઘોડા કદી જમીન પર બેસતા જ નથી. થાકોડો ખાવા માટે પોતાના પગને અધ્ધર તોળી રાખે છે; અને ઊભા ઊભા ઊંઘ લઈ લે છે. અસલ ઘોડી દિવસે ઠાણ દેતી નથી. કદાચ દિવસે ઠાણ આપે તો વિગ્રહનો ભય ઊભો થાય છે.'

#ઘોડાઓ_વિશે_બીજી_કેટલીક_જાણી_અજાણી_વાતો

'અશ્વ એ સંપૂર્ણ પુરુષ ગણાય છે. વિશ્વનાં ઘણાંખરાં નર પ્રાણીઓને સ્તનોનાં નિશાન હોય છે, જ્યારે સંસારમાં અશ્વ જ એક એવું પ્રાણી છે કે જેને સ્તનનાં નિશાન કે આંચળનાં લોળિયાં હોતા નથી. આ વસ્તુ બતાવે છે કે ઘોડો સંપૂર્ણ પુરુષ છે. એટલે લગ્નપ્રસંગે પુરુષોને સંપૂર્ણ પુરુષાતન મેળવવા માટે ઘોડા પર ચડવું પડે છે.'
ઘોડેસવારને ભૂતનો ભય લાગતો જ નથી; એટલુ જ નહી પણ ઘોડેસવાર ઉપર કામણટૂમણ કે મેલા મંત્રોની અસર થતી નથી એટલે ઘોડાને દેવાંશી અશ્વ કહેવામાં આવે છે. ઘોડા પર બેઠા બેઠા રાજા કે રાજપૂત લડતા હોય તો પછી શરીર માથે ગમે તેટલા ઘા પડે તોય તે જ્યાં સુધી ઘોડેથી નીચે ન ઉતરે ત્યાં સુધી એનું મરણ થતું નથી. પણ એ ઘોડો આખો(એટલે કે ખસી ન કરેલો) હોવો જોઈએ. ઈતિહાસમાં નજર કરીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને વીર એભલવાળો મરણોન્મુખ થયાં છતાં જ્યાં સુધી ઘોડા પર રહ્યાં ત્યાં સુધી તેમના પ્રાણ ટકી રહ્યા હતા.
ઘોડાને સ્વપ્નાં આવે છે એ સાચાં હોય છે પણ વાણીનાં અભાવે બીચારા બોલી શકતા નથી. પાટણનાં રાજકુમાર 'બીજક' અશ્વોનાં સ્વપ્નોને પારખવા માટે જાણીતા હતા. જાયવંત ઘોડા માલિક માટે પ્રાણ આપવા તત્પર હોય છે. આ ઘોડા માલિક સિવાય બીજા કોઈની સવારી મંજૂર રાખતા નથી.

#ઘોડાનું_આયુષ્ય
ઘોડાનાં લક્ષણો ઉપરથી એનું આયુષ્ય જાણી શકાય છે. જેનાં નેત્ર મોટાં તેમ જ લાલ, દાંત દીર્ઘ હોય એનું આયુષ્ય આઠ વર્ષનું ગણાય.
જેનાં નેત્ર લાલ, પેટમાં કૃમિ થતા હોય અને લાદમાં લાળ નીકળતી હોય તો તે નવ વર્ષ જીવે.
જેનાં હીંસનો અવાજ દીર્ઘ હોય, ગરદન નાની હોય, નેત્ર સતેજ અને લાલ હોય એ દસ વર્ષ જીવે છે.
જે ઘોડાનાં દાંત, સાથળ, નીચલી ઝાડી અને રુંવાટી મોટાં હોય એ ચૌદ વર્ષ જીવે છે.
ઊભી કાનોટીવાળો અને લાંબી પીઠવાળો ઘોડો સોળ વર્ષ જીવે છે.
વાઘનાં જેવી મંદ ચાલ હોય અને શરીરની નાડી નરમ હોય તો એ ઘોડો એકવીસ વર્ષ જીવે છે.
પાણીનાં પ્રવાહમાં સામે ચાલીને પાણી પીનાર ઘોડો ચોવીસ વર્ષ જીવે છે. પ્રવાહમાં સામે ચાલીને પાણી પીએ ત્યારે કાન હાલતા હૉય, મુખ અને શરીર મોટાં હોય, વધુ આહાર કરતો હોય એ ઘોડો છવ્વીસ વર્ષ જીવે છે.
'મનુષ્યની હસ્તરેખા જોઈ સામુદ્રિકશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર આયુષ્યનું પ્રમાણ કહે છે તેમ ઘોડાની નીચલી ઝાડી, દાંતની સીધી અગર આડી રેખા જોવાથી આયુષ્ય જાણી શકાય છે'
નીચલી ઝાડી વિશે વાંકી રેખા હોય તો તે ઘોડાનું આયુષ્ય ૨૧ વર્ષનું ગણાય. મત્સ્યના જેવું ચિહ્ન હોય તો ૩૦ વર્ષ, ધ્વજ અગર છત્ર જેવી રેખા હોય તો ૩૧ વર્ષ, અર્ધચંદ્રાકાર રેખા હોય તો તેનું ૩૨ વર્ષનું આયુષ્ય ગણાય છે.
૮૦ વર્ષનો પણ ઘોડો થઈ ગયો હશે.એનો દુહો પણ પ્રખ્યાત છે;

'ચાતક ચૂતક ખડ ખવરાવે, જોગણ દેવે અપને હાથકું;
ઘોડા કિસીકુ માગ્યા ન દેવે, તે વર્ષ જીવે એંસીકુ.'
-------------------------

સંકલન / આલેખન ©️
✒Typing: ચેતનસિંહ ઝાલા✒

છોડમાં પોષણની ખામીઓ ઓળખવા માટેની માર્ગદર્શિકા 🌱તમારા છોડના પાંદડા તેમના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ હોઈ શકે છે. જો તમે રંગ, આ...
06/01/2025

છોડમાં પોષણની ખામીઓ ઓળખવા માટેની માર્ગદર્શિકા 🌱

તમારા છોડના પાંદડા તેમના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ હોઈ શકે છે. જો તમે રંગ, આકાર અથવા રચનામાં ફેરફાર જોશો, તો તેઓ અમુક પોષણની ઉણપથી પીડાતા હોઈ શકે છે. લક્ષણોના આધારે સમસ્યાને ઓળખવા માટે અહીં એક ઝડપી માર્ગદર્શિકા છે:

સામાન્ય ખામીઓ:
1️⃣ ફોસ્ફરસ (P):
- લાલ અથવા જાંબલી ટોન સાથે પાંદડા.
- વિલંબિત વૃદ્ધિ.

2️⃣ મેગ્નેશિયમ (Mg):
- જૂના પાંદડાની નસો વચ્ચે પીળી પડવી.
- ચિત્તદાર દેખાવ.

3️⃣ પોટેશિયમ (K):
- પાંદડા પર બ્રાઉન અથવા બળેલી ધાર.
- છોડમાં શક્તિ ગુમાવવી.

4️⃣ નાઈટ્રોજન (N):
- સામાન્ય પીળી, ખાસ કરીને જૂના પાંદડાઓમાં.
- ધીમી વૃદ્ધિ.

5️⃣ મેંગેનીઝ (Mn):
- નસોની વચ્ચે ઘાટા ફોલ્લીઓ સાથે પીળી પડવી.
- યુવાન પાંદડા પર ચિત્તદાર દેખાવ.

6️⃣ આયર્ન (ફે):
- પીળા પરંતુ લીલા નસો સાથે નવા પાંદડા.
- છોડની ટોચ પરના લક્ષણો.

7️⃣ ઝીંક (Zn):
- નાના અને વિકૃત પાંદડા.
- નસોની વચ્ચે પીળો રંગ.

8️⃣ બોરોન (B):
- વિકૃત પાંદડા અને અનિયમિત વૃદ્ધિ.
- સૂકા અથવા કાળા પડી ગયેલા પાંદડાની ટીપ્સ.

9️⃣ કેલ્શિયમ (Ca):
- પીળા અથવા ભૂરા કિનારીઓવાળા યુવાન પાંદડા.
- વૃદ્ધિ અટકી.

તેને કેવી રીતે ઠીક કરવું:
- સંતુલિત ખાતર : આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરોનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
- જમીન સુધારણા: માટીનું pH પરીક્ષણ કરો, કારણ કે અપૂરતું સ્તર પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ લાવી શકે છે.
- યોગ્ય પાણી આપવું: પાણીની વધુ પડતી અથવા અભાવ છોડના પોષણમાં દખલ કરી શકે છે.

🌟 યાદ રાખો: તમારા છોડને સ્વસ્થ રાખવા માટે સતત નિરીક્ષણ એ ચાવી છે. તેમની સંભાળમાં એક નાનું ગોઠવણ ફરક લાવી શકે છે.

બાળાપણની પ્રીત  ઝવેરચંદ મેઘાણીવિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત.( તસ્વીર આ વાર્તાના ...
05/01/2025

બાળાપણની પ્રીત ઝવેરચંદ મેઘાણી

વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,
પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત.

( તસ્વીર આ વાર્તાના લેખક શ્રી ની છે )

માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે ઊછરતો હતો. ગીરના ડુંગરામાં આથડતાં એની અવસ્થા વધતી જતી હતી. પણ એ નમાયા છોકરાને ઘસીચોળીને નવરાવનાર-ધોવરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને રઝળુ છોકરો મોટો થાતાં થાતાં એ રીતે પોતાનાં ખરાં રંગરૂપ ખોઈ બેઠો હતો.

કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાથી હાથ કરી લીધું: ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોળ મોટાં બે તુંબડાં ઉતાર્યા. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસરાત કોઈ ગેબી સૂર વગડ્યા કરતા એવા એક વાંસની પાંચ કાતળીઓનો કટકો કાપી લીધો. વાંસને બેય છેડે તુંબડાં પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંત્યો બાંધ્યાં. કોઈ ઝાડવાના થડમાંથી ઝરતો રસ લાવીને એ જંતર (વાજિંત્ર) ઉપર ચોપડી દીધો. ઉપર મોરપિચ્છનો ગુચ્છો લગાવ્યો. એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે એ વાંસ અને ટૂંબડાંના પોલાણમાં કોઈ જુગ જુગનું જૂનું સંગાથી બેઠું હોય ને સામા હોંકારો દેતું હોય, એવા સુરો સંભળાયા. થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાની જ ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી; ઝાડવે ઝાડવે, ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું. જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો. છત્રીસે રાગરાગણીઓ એની સામે હાથ જોડીને ઊભાં રહ્યાં: ​

જંતર મોટે તુંબડે, બત્રીસે ગમે,
છત્રીસ લવણ રમે, વિજાણંદને ટેરવે.

મોટાં તૂંબડાંવાળું એ બીન : એમાં બત્રીસ તો ગમા ગોઠવેલાં : અને એમાંથી છત્રીસ જુદી જુદી રાગણીઓ વિજાણંદનાં ટેરવાંનો સ્પર્શ થતાં કલ્લોલ કરી રમવા લાગે છે.

ગીરથી થોડું ઢૂંકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ કોઈ વાર પોતાની ભેંસોને ઘોળીને વિજાણંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કૂવાકાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું: “પાણી પાશો?”

બેમાંથી એક પનિયારી હજુ કુમારિકા હતી, કુમારિકાએ આ પાણી માગનારા છોકરાની સામે જોયું. જોતાં જ ઘડો સિંચીને કાઢ્યો હતો તે પણ એણે ઢોળી નાખ્યો. જરાક મોં મચકોડ્યું. પોતાની સંગાથણને કહ્યું: “બીન, ઈને પાણી પાજે. મેં તો ઈનો વહરો રૂ૫ ભાળેને ફાટે મરાં, બાઈ!”

એટલું બોલી એ રૂપ-નીતરતી કુમારિકા પોતાના ગોરા અંગ ઉપરની કાળી કામળી મથરાવટીએથી મોખરે તાણી લઈ, માથે બેડું મૂકી, ઉતાવળ ગામ તરફ ચાલતી થઈ. પાછળથી બીજી પનિયારીએ સાદ દીધો, “ભણે શેણીબા ! તોળી ગાગર કાળમખો કાગડો બોટતો સૅ !”

વિજાણંદે તરત એ બાઈને કહ્યું: “અરે બાઈ ! માણસ કરતાં કાગડો તો ચડિયાતા રૂપવાળો ખરો ને ! કાગડો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પાતાંયે ઈનો જીવ નો હાલ્યો? હશે !”

તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો. નામે મોટો માલધારી પરજિયો ચારણ વસે છે. વેદાને આંગણે ત્રણસો ભેંસો દૂઝે છે. પ્રભુના ચારેય હાથ એ ચારણને માથે છે. એ વેદા ગોરવિયાળાની ડેલીએ જઈને વિજાણંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદા ગઢવીએ બાળકને આદરમાન દીધાં. રાતે વાળુ કરતાં કરતાં વિજાણંદે એરંડિયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી : કૂવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ : વેદાની સાત ખોટની એક જ દીકરી : બાપ એને વારે વારે ​'શેણી ! બેટા શેણી !’ કહીને સાદ કરે છે. ઠીક, જીતવા ! વેદાની દીકરી મને ભિખારીને પાણી ન પાય એનો ધોખો હોય કાંઈ ! ક્યાં હું નમાયો, નબાપો, નિર્ધન ને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કળી !

વાળુ કરીને સહુ ફળીમાં ચંદ્રને અજવાળે ખાટલા ઢાળી બેઠાં છે. ઉનાળાની રાત, એટલે આભ જાણે હીરે મઢાઈ ગયું છે. શીતળ પવન ઝાડવાંની ડાળીઓ સાથે ભાતભાતના ગેલ કરી રહ્યો છે. અને એમાં પોતાની પાંચ ભેંસોએ વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો. વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુનાં સુંવાળાં ટેરવાં અડતાંની વાર જ જાગીને પોતાના વીતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માતા રોતી હોય, પિયુ-વિજોગણ અબળા રોતી હોય, ભાઈવછોઈ બહેન ઝંખતી હોય, પ્રભુએ ત્યજેલો ભક્ત વલવલતો હોય, અને ધણી વિનાનાં ઢોર ધા દેતાં હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સહુને કલેજે ન કહેવાય, ને ન સહેવાય તેવું કંઈ કંઈ થાવા લાગ્યું. હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાતી બંધ થઈ, કૂતરાએ ભસવું છોડી દીધું, ભેંસો વાગોળતી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિઃશ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો:

[૧]જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,
સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.

[ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું. જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સઢ છેદી નાખ્યા !]

વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણંદ ચાલી નીકળ્યો. પણ પછી તો વારેવારે એને નોતરાં મળવા લાગ્યાં. જંતર લઈને વારંવાર વિજાણંદ ​ગોરવિયાળી આવ-જા કરવા લાગ્યો : એવી કંઈ કંઈ ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. અને –

ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,
હૈયામાં હલકેહ, વિજાણંદનાં તુંબડાં.

એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો, નવે તાંતો જાણે શેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી. ને બીનનાં સૂંબડાં ઘેરા પડછંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં જ હલકાં દેતાં હતાં.

જેને કદરૂપો કહીને, અને જેનાં મોંથી બી જઈને કૂવાને કાંઠેથી શેણી ભાગી નીકળી હતી, તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણભર્યા સંગીતમાં નીરખ્યું. નીરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ-બાપ છે. ચારણની દીકરી મોંએ ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી. નેસડામાં કોઈ સરખી સહિયર નથી. ઘરમાં કોઈ બહેન-ભોજાઈ નથી. ગામમાં સ્ત્રી-પુરુષો શેણી આઈને જોગમાયાનો અવતાર કરી જાણતાં. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિરધાર કર્યો છે એમ સહુને ખબર હતી. બાપને તો સ્વપ્નેય ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે. ફક્ત એક વિજાણંદે જ શેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી.

એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે. વિજાણંદની વીણાના સ્વર-છંટકાવમાં આખો દાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગરાગિણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે, તેને ખેરવવા ઊઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું. બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે. પ્રભાતે વેદા ગોરવિયાળાએ દાયરો ભરી, કસુંબો લેવરાવી, વિજાણંદને કહ્યું: “ભાણેજ ! ઘણા દી તેં અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ ​મારા ઘરમાં આટલી ગાયું-ભેસુ છે, રિદ્ધિ-સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે તે ચીજ માગી લે, ભાણેજ !” - વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માગશે !

“કેમ ભા ! કેમ માથું નીચું ઢાળી દીધું?”

“મામા ! શું માગું ? રિદ્ધિસિદ્ધિની અબળખા નથી રહી. ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે. હવે ભાર કોના સારુ વેંઢારું?”

"વિજાણંદ! માગી લે, હું કહું છું. મારી મોજ મારી જાય નહિ. મને અસદ્‌ગતિ મળે. માગી લે ઝટ.”

“પણ હું માગીશ ઈ તમથી નહિ દેવાય, મામા !”

"હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખા મા. માગી લે, ન આપું તો દેહ પાડી નાખું.”

"મામા ! એક જ માગણી કરું છું. શેણીનો હાથ...”

સાંભળતાં જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ. હથેળીમાં કસુંબાની અંજલિ ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાનાં બિન્દુ બાઝી ગયાં. કોચવાઈને વેદાએ કહ્યું : “છોકરા, માગવાની રીતે માગવું જોઈએ. તેં આજ મારું મોત બગાડ્યું: વેદાની સાત ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે, જેને નથી માવતર, કે નથી એકેય કુબો?”

“કાંઈ નહિ, મામા, મારી ભૂલ થઈ.”

એટલું જ કહી, જંતર ખભે ઉપાડીને ગરીબડે મોંએ વિજાણંદ ખાધાપીધા વગર ચાલી નીકળ્યો, અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી, ઉપર પીટ પાડવાનું આદર્યું: “વેદા ગઢવી, ભણેં વેણ પાળવો નૂતો તો વેણ દીધો કેવા સાટુ? ચારણ તોરે આંગણે નિસાસો નાખેંને હાલે નીકળ્યો છે ઈ ખબર છે? તોળું ધનોતપનોત નીકળે જીસે.”

વિમાસણ કરીને વેદાએ કહ્યું : “પાછો વાળી લાવો એને.”

પાદરથી વિજાણંદને પાછો વાળી આવ્યા. વેદો ફરી વાર બોલ્યો : ​“ભણેં ભરવાડા, મોળી સાત ખોટ્યની શેણી ઈ [એમ] નો મળે; શેણીનું કાંડું જોતું હોય તો જા : નવચંદરિયું ભેંસ્યું એક સો ને માથે એક, ભેળિયું કરી લે આવ્ય; એક વરસની અવધ્ય દેતો સાં. પોર બરાબર આ જ તથ્યે જો નો પોગાય, જો એક દીનું મોડું થાય, તો જાણજે કે આ ભવમાં શેણીનું મોંયે જોવા નૈ મળે. નીકર એક વરસની અવધ્યમાં આવેંને એક સો એક નવચંદરિયું મોળે ખીલે બાંધે જાજે, અને ખુશીથી શેણીને હથેવાળે પરણતો જાજે. છે કબૂલ?”

“કબૂલ છે, મામા !”

એટલું કહીને વિજાણંદ વળી નીકળ્યો. પોતાની પાંચ ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેસમાં મોકલી દીધી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો : “મારી માતાજિયું ! ડુંગરામાં નિરાંતે ચરજો. હું હમણાં આવું છું. વરસને વીતતાં વાર નહિ લાગે, અને પછી તમારાં ખાણ, નીરનારી, ગોરસડાં મેળવનારી, પાડરું પાળનારી ને વલોણાં ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રે’શું. કોચવાશો. મા, હો !”

આ ભેંસોની આંખોમાંથી મોટે ટીપે આંસુડાં ચાલ્યાં જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે “મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ. ત્યાંથી પાંચ પાંચ નવચંદરી ભેંસો શું મને નહિ મળે? એવા વીસ નેસડાં તો પાંચ મહિનામાં ફરી વળીશ.”

વિજાણંદ હાલી નીકળ્યો, પોઠીડા પલાણે,
ડાબો થાને ગણેશ, (તો) વિજાણંદ પાછો વળે.

પોઠિયા પર સવાર થઈને વિજાણંદ ચાલી નીકળ્યો. ઝૂરતી શેણી જંગલના તેતરને વીનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પિયુની આડો ડાબી બાજુએ ઊતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે. ફરી વાર શેણીએ પોકાર કર્યો: ​
હરણ તારી ડોકમાં, ઘડાવું ઘૂઘરમાળ,
સોને મઢાવું શીંગડી, વિજાણંદ પાછો વાળ્ય !

[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]

નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું અંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે. પણ નવચંદરી ભેંસોનું નામ પડતાં નેસવાસીઓ લાચાર બની જાય છે. ચાર ચાર પગ ધોયેલા : પૂંછડાને છેડે ધોળા વાળ : અક્કેક આંચળ ધોળો : લલાટમાં ધોળું ટીલું: મોં ધોળું : અક્કેક આંખ ધોળી : એવાં નવ નવ જૈતરંગી ચંદ્ર-ચિહ્નોવાળી ભેંસો તે નવચંદરી કહેવાય. એવી ભેંસો ક્યાંઈક મળે છે, ને ક્યાંઈક નથી મળતી. નવમાંથી એક પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી.

વિજાણંદની ગણતરી ખોટી પડી. પાંચ-પાંચની ધારણા હતી ત્યાંથી એક-એક પણ માંડ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાણંદ ભમવા લાગ્યો. આઘે આઘે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવુંપીવું, બધું જ વિજાણંદ વીસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે, અને નવચંદરી ભેંસો એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રઝળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોરની ગણતરી કરે છે. એમ કરતાં એક વરસમાં થોડા જ દિવસ ઓછ રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી.

અહીં ગોરવિયાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઊઘડી. ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસાટ શું બોલતાં હતાં? –

ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે,
વળ્ય વેલો વિજાણંદા, (મને) રોઝડાં રંજાડે.

[હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંતઃકરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને ​ રંજાડે છે. (મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે.)]

ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે,
અધવચ મેલ્યાં એકલાં, હાલ્ય હૈડા હેમાળે.

[જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા.]

વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.

વરસ વળ્યાં વાદળ વળ્યાં. ધરતી નીલાણી,
(પણ) એક વિજાણંદને કારણે, શેણી સુકાણી.

[વરસ પાછું વળ્યું. વાદળાં પણ બરાબર બાર માસની મુદતે હાજર થઈ ગયાં. પૃથ્વી એ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિનાં જોબન રંગે હસી-ઉલ્લસી ઊઠી. હાય ! એ બધાં તો લીલુડાં બન્યાં, કેમ કે મિલનનું સુખ પામ્યા; સુકાઈ શોષાઈ સળગી ગઈ એક માત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો, વહાલા વિજાણંદનો.]

તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સીંચતી પનિયારી શેણી ગામેગામ ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંય વિજાણંદ આવે ! ક્યાંય એક સો એક નવચંદરીઓનું ખાડું ગોરજના ડમ્મર ઉડાડતું આવે ! ક્યાંય જંતરના સંદેશા લઈને પવનની લહેરીઓ આવે !

જો આવે તો આજ આ કૂવાકાંઠે પેટ ભરી ભરીને પીએ એટલું પાણી પાઉં; એની એકસો ને એક નવચંદરીઓને પણ મારે હાથે બેડાં સીંચી સીંચીને પાણી ધરવ કરાવું; લાંબો પંથ કરીને આવતા પિયુડાને માથાબોળ નવરાવું; એનાં લૂગડાં આ ઓઝત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઊજળાં દૂધ જેવાં કરી સુકાવું : તે દિવસે પાણી પાયું નહોતું એનો બદલો વાળી દઉં ! પણ વિજાણંદ તો દિવસ રોળ્યકોળ્ય રહ્યો છતાં આવતો નથી. પાદરથી નીકળતી ઓઝત નદીને શેણી પોકાર કરે છે કે – ​

ચડ ટીંબા ચડ ટીંબડી, ચડ ગુંદાળી ધાર,
ઓઝત, ઉછાળો લઈ, વિજાણંદ પાછો વાળ.

[ઓ બહેન ઓઝત, તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંઈક આઘે આઘે જોઈ શકતી હોઈશ. ભલી થઈને એક વાર ઉછાળો મારી, એનો પંથ રોકી, તું એને ઝટ પાછો વાળજે.]

દિવસ આથમ્યો, આશા ઓઝત કાંઠે મૂકીને શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખઘેલો થઈને બેઠો છે.

“બાપ શેણી !” વેદો બોલ્યો : “હવે અટાણે લાપસીનાં આંધણ મેલજે, હો ગીગી ! ઈ કાળમુખો નસેં પોગ્યો ને આપણે ઊગર ગાં ! અ ૨ ૨ ર ! મોળી હંસલી જીમી ગીગી ઈ કાગડાને હાથ જાત, મોળો મૉત બગડત ! મૂક્ય, બેટા, ઝટ લાપસીનાં આંધણ મૂક્ય.”

આંસુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવરાવી. ખાઈપીને બાપ તો ઘસઘસાટ ઘોંટ્યો, પણ શેણી શે સુખે સૂએ ? આખી રાત પવનમાં કમાડ ભભડે તો ઝબકે છે કે ઓ વિજાણંદ આવ્યો ! પવનના સુસવાટામાં જાણે કે વિજાણંદની વીણા રોતી લાગે છે, ને પલવાર ઝોલું આવતાં જ સ્વપ્નમાં વિજાણંદને ઠપકો દેવા લાગે છે કે અરે ભૂંડા ! રસ્તે આટલો બધો ખોટીપો ! કોણ કામણગારું તને મળ્યું’તું ?

આખી રાત અજંપામાં ગાળી, પ્રભાતે ઊઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી : “બાપુ ! ડમણી છોડાવી દેશો ?”

“કાં, બાપ ? કીસેં જાવો છે ?”

“હેમાળે ગળવા !”

“અરર ! દીકરી ! ગાંડી થે ગી ! આવડી અવસ્થાએ વેરાગ કીસેથી આદો ! ભણેં બાઈ, હવે તું બી મા. હવે આપણી ભે માતર ટળે ગી. હવે તોરા સાટુ હું સારો ઠેકાણો જોવા નીકળતો સાં, હેમાળે ગળવા તે જવાય. મારા ઓધાર ?”

“બાપુ !” શેણીએ ધરતી ખોતરતાં ખોતરતાં સંભળાવ્યું: “બાપુ, હવે આ બધી આશા મેલી દ્યો. હવે તો –" ​

વિજાણંદની વરમાળ, બીજાની બાંધું નહિ,
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.

તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે ! બાપુએ બહુ સમજાવી. છેલ્લે જવાબ વાળી દીધો : “હવે તો, બાપુ, એ” આવે કે ન આવે. હવે અવધ પૂરી થઈ. ને હવે તો મળશું હેમાળાના ખોળામાં, નીકર આવતે અવતાર. હવે મારો મારગ રોકશો મા.”

ગામનાં માણસો હજાર-હજાર વાતો કરીને મનાવવા લાગ્યાં કે “બીન ! રોકાઈ જા, હજી એ આવશે.”

“આવી રહ્યો, બાપ ! હવે આવીને શું મોં દેખાડે ?”

કોઈ બોલ્યું: “અરે ગીગી, વાવડ કઢાવીએ.”

સાંભળી સાંભળીને શેણીએ કહ્યું :

મત્યું શું દિયો માનવી, જણ જણની જૂજવી,
ડાહ્યપ એવડી હતી, (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ ?

[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો ? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો ?]

“અરે બાઈ ! વિજાણંદ જેવા મેલાઘેલા પર તું શું મોહી છે ? બીજા ક્યાં નથી ?”

“ભલે રહ્યા. –

ધોબી લૂગડ ધોય, રૂપાળાસે રાચું નહિ,
મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો !

[ધોબીના ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી – ]

છાણાંનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ,
મેયુંના મથેલ, વાલાં ઘી વિજાણંદનાં.

[હે મારાં સલાહકાર માનવીઓ, બકરાંનાં ચાટેલાં એવાં બગડેલ ઘી મારાથી નહિ ખાઈ શકાય. મને તો વહાલાં છે વિજાણંદે ભેંસોનાં મહીમંથન કરીને ઉતારેલ શુદ્ધ ઘી. (વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે ન જોઈએ.)] ​ ડમણીમાં બેસીને અઢાર વરસની શેણી ચાલી નીકળી. માર્ગે અલકમલકની સીમો વીંધતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે :

મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,
ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.

[રસ્તાને કાંઠે હું મઢુલી બાંધીને જોગણનો વેશ લઈ બેસીશ. દેશોદેશ હું વિજાણંદની શોધ કરીશ. અરે, મને વિજાણંદનો પત્તો આપો !]

માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નીસરીને શેણી સાદ પાડતી જાય છે કે ઓ ભાઈઓ !

(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,
(હું) સગડે પાંડું સાદ, (મને) વાવડ દ્યો વિજાણંદના.

“હા, હા, બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન આંહીં નીકળેલો; નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો.” એમ માણસો પત્તો દેવા લાગ્યા.

“દેખાવ કેવો હતો ?”

જવાબ મળે છે –

લાલ સુરંગી ધોતિયે, કેસરભીને વાન,
હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન.

[માથા પર લાલ ફેંટો હતો. સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો.]

“કઈ દૃશ્યે ઊતર્યો ?”

“નવચંદરીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે છે, બાઈ !”

સાંભળીને ત્યાંથી શેણી પગપાળી દોડવા લાગે છે. ઓ જાય ! ઓ ચાલ્યો જાય ! એમ માણસો એંધાણી દેતાં જાય તેમ તેમ તો જલદી એને ઝાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે, પણ એનાથી કેટલુંક દોડાય ? વટેમાર્ગુના દેખતાં શી રીતે દોડાય ?

ચાલું તો ચૂંકું નીકળે, ધોડ્યે લાજી મરું,
વિજાણંદ વાગડ ઊતર્યો, ઊભી પોત્યું કરું.

​
[હું ચાલું છું તો મોડું થવાથી પેટમાં શૂળ નીકળે છે. દોડતાં તો હું લજ્જા પામું છું. અને વિજાણંદ તો છેક વાગડમાં દીસે છે. લાકડી ઉપર મારી ધાબળી ચડાવીને હું વનરાઈમાં ફરકાવતી જાઉં છું (પોત્યું) કરું છું, જાણે ક્યાંક દૂર ચાલ્યો જતો વિજાણંદ મારી એ નિશાની દેખીને ઊભો રહેશે.]

એમ અરધી ઘેલી બનીને પંથ કાપતી કાપતી સતી શેણી હિમાલયનાં ચરણોમાં પહોંચી, આશા છોડીને ઉપર ચડવા લાગી. તીર્થતીર્થ કરતી કરતી ઊંચાં શિખરોમાં દાખલ થઈ. ઋષિમુનિઓની ધૂણીઓ આઠે પહોર ધખી રહી છે; આલેક આલેક ! અને ૐકારના અઘોર નાદ શિખરે શિખરથી પડછંદા બોલાવે છે : અપ્સરાઓ સ્નાનક્રીડા કરવા આવતી હોય તેવાં સરોવરો હિલોળા ખાઈ રહ્યાં છે : મઢીએ મઢીએ ભગવાંધારી ને કાં ભભૂતધારી તપસ્વીઓનાં પહોળાં ગળાં હોકારા દઈ રહ્યાં છે. એવા જાગતાજીવતા હિમાલયની લીલી, રાતી, પીળી ને ગુલાબી એવી અઢાર ભાર વનસ્પતિમાં થઈને વાઘ-વરૂની ત્રાડો સાંભળતી શેણી થાક્યા વિના, ચાલી જ ગઈ. મઢીઓ મેલી; માનવી મેલ્યાં; વનસ્પતિ મેલી ને વાઘ-વરૂ મેલ્યાં; અને ક્યાં આવી ?

જ્યાં ચારેય દિશાએ બરફના ડુંગરા છે. જ્યાં ઉપરથીયે બરફ વરસે છે : નીચેનાં નીર પણ જ્યાં ઠરીને હિમ થઈ ગયાં છે : સૂરજનો તાપ જ્યાં ડોકિયુંયે કરતો નથી : એવી અઘોર એકાંતમાં અઢાર વરસની કંકુવરણી ચારણ્યનાં પગલાં પડ્યાં. ત્યાં શેણી હેમાળો ગળવા બેઠી.

બેઠી, ઘણો સમય બેઠી, પણ શરીર ગળતું કાં નથી ? પાંડવો સરીખાનાં લોખંડી હાડ જ્યાં ઓગળી ગયાં, ત્યાં આ માખણ જેવી નાની-શી દેહડી કાં લોઢાની માફક સાબૂત રહી છે ?

“હે બાપ હેમાળા ! હે મોક્ષપુરીના દ્વારપાળ ! હે સતી પાર્વતીના પિતા ! હુંય તારી દીકરી થઈને તારે ખોળે સમાવા આવી છું. મારાં એવાં તે શાં ઘોર પાતક દીઠાં કે મને તારા પાષાણોથીયે વધુ કઠોર હૈયાની માનીને તરછોડી ? આવડી વેદના આ બરફ ચિતામાં બેઠી બેઠી ક્યાં સુધી ખમીશ ? મને ઝટ તારા શરણમાં લે.”

જવાબમાં જાણે હિમાલય સામા હોકારા દેવા લાગ્યો : “બેટા, તું ​બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે ! જા બાપ પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”

“હવે તો પાછી ફરી રહી ! પાછી જઈને ક્યાં ગોતું ? પંથભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ ! રામચંદ્રજીએ જાનકીની પૂતળી કરીને જગન-ટાણે પડખે બેસાડેલી : તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને આંહીં જ પરણી લઉં છું.”

હેમાળે શેણીનાં હાડ, ગળિયાં નવ ગાળ્યે,
(પછી) કાસનાં પૂતળ કરે, પરાણે પરણી ઊતર્યાં.

‘કાસ’ અર્થાત્ દર્ભનું પૂતળું કરીને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખા એ શિખરને ચાર આંટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. ઘડી પહેલાં જે પગમાંથી કંકુવરણી કાંતિ ફૂટતી. હતી, તે પગ શ્યામ પડી ગયા, પગમાંથી પ્રાણ જાતા રહ્યા. જોતજોતામાં તો ગોઠણ સુધીનાં હાડકો પણ ગળીને પાણી થઈ ગયાં. ત્યાં તો ડુંગરનાં છેટાં છેટાં શિખરોમાંથી ‘શેણી ! શેણી ! શેણી !’ એવા શબ્દો સંભળાણા.

“અરે, આ મારા નામના સાદ કોણ દ્યે છે ?”

‘ફટ રે ફટ જીવ ! હજુયે એના ભણકારા ! હે અભાગિયા જીવ ! હવે ચીંથરાં ન ફાડ.’

ત્યાં તો ફરી વાર ‘શેણી ! શેણી ! શેણી !’ એવા સાદ ઢૂકડા સંભળાણા.

“શેણી ! શેણી ! શેણી !” – સાદ ઢૂકડા ને ઢૂકડા આવવા લાગ્યા અને સામે ડુંગરા પડઘા દેવા લાગી પડ્યા : ‘શેણી ! શેણી ! શેણી !’

કામળી સંકોડીને શેણીએ બરફની ભેખડોમાંથી સામે જવાબ વાળ્યો : “હાલ્યો આવ ! હાલ્યો આવ ! હાલ્યો આવ !”

અવાજને એંધાણે એંધાણે એક આદમી દોડ્યો આવે છે. પથરામાં ઠોકરો ખાતો, પડતો, લોહીલુહાણ થતો, ને છતાં પણ પાછો ઊઠીને કાયા ​ખંખેરી દોડતો, ભર્યે શ્વાસે ચાલ્યો આવે છે. મોંમાં ‘શેણી ! શેણી ! શેણી !’ સિવાય બીજો શબ્દ નથી.

બરફની ઊંચી દીવાલોવાળા એ ગાળામાંથી, ઝાંખે ઝાંખે અજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બંનેએ એકબીજાને નિહાળ્યાં; જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર અને હાડગાળતી શેણી ઊંચે બરફના કુંડમાં.

દૂબળા પડી ગયેલા અવાજે શેણી બોલી: “ચારણ ! આવી પહોંચ્યો ?”

“પહોંચ્યો છું, મારા પ્રાણ ! એક જ દિવસનું મોડું થયું. પણ તારા બાપને એકસો ને એક પૂરી નવચંદરિયું ગણી દીધી છે, શેણી ! હવે હાલો હાલો, ઓઝતને કાંઠે ખોરડાં કરીએ.”

“હવે તો વૈતરણીને કાંઠે ખોરડાં કરશું, વહાલા !”

“શેણી ! ઓ શેણી ! શું થયું ?”

ઉપરથી પડછાયો બોલે છે :

હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,
વિજાણંદ વળે, ઘણમૂલા જાને ઘરે.

[હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]

“પગ ઓગળી ગયા ? ફિકર નહિ ! –”

વળવળ વેદાની, (તું) પાંગળી હોય તોય પાળશું,
કાંધે કાવડ કરી, (તને) જાત્રા બધી જુવારશું.

[ઊભી થા, પાછી વળ, ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હોઈશ તોપણ હું તને કાવડમાં બેસારી, મારી કાંધ પર ઉપાડી, અડસઠે તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણાધાર, પાછી વળ !”]

“ના, વિજાણંદ ! હવે પાછી નહિ વળું –

વળું તો રહું વાંઝણી, મૂવા ન પામું આગ,
આલુકો અવતાર, વણસાડ્યો વિજાણંદા !

​
[હવે જો હું પાછી વળું, તો મારે તારી સાથે શરીરસંબંધ ન થઈ શકે, ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મૂકે ? એટલે આવતો જન્મ પણ બગડે, માટે હવે આ એક જ જન્મ વણસ્યો તેટલું બસ છે.]

“પાછી વળ ! પાછી વળ !” એવા પોકાર ઊઠ્યા.

“હવે હું તારા કામની નથી રહી, વિજાણંદ ! કેમ કે હવે તો –

ગળિયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું,
હવે મસળતા હાથ, વિજાણંદ, પાછા વળો !”

[હે વિજાણંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા]

ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો : “પણ ચારણ ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.

વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.

“એક વાર બજાવી લે.”

ખંભેથી બીન ઉતારીને ચારણે ટેરવાં ફેરવ્યાં. ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઊઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા, અને માછલીઓ એ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતાં મોં રાખી ઊભી રહી.

વાજિંત્ર વાગે છે : અને ગીતને તાલે તાલે બરફમાંથી ‘રામ ! રામ ! રામ ! રામ !’ એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા. બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી ઝણેણાટી દેવા લાગ્યા. આખરે રામનામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું. ​
જંતર ભાંગ્યું જડ પડી, તૂટ્યો મોભી ત્રાગ,
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.

[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]

અને –

ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જીં,
શેણી જેવો સંગાથ, મેલીને વિજાણંદ વળ્યો.

[શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો. અને જીવતર કર્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.]



[કેટલાક ચારણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે, શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી શખેલું કે ‘મારો સંબંધ કરશો જ નહિ’ તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી.

મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે, તે આ પ્રાચીન દુહાઓ પરથી. ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઊપજ્યું, એ તો ઊલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઊલટું વધુ ઉજ્જ્વળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ.

ભાંચળિયા ચારણોને આજે પણ ભરવાડોના વિવાહ વખતે કોરી (પાવલી) મળે છે તેઓ ભરવાડને જ માગે છે. લોકકથા એવી છે કે હિમાલયમાં વિજાણંદ પોતાની જોડે મરવા ન બેસી શક્યો તેથી શેણીએ શરાપ્યો કે “જા, ભરુ ભડકાવતો રે’જે.” બીજી લોકકથા એવી છે કે શેણીબાઈ સાથે હિમાલયમાં જવામાં ભેગો ખીમડ નામનો રાવળ હતો. તે પણ પાછો ફરી ગયો. એટલે શેણબાઈએ એને કહ્યું કે હે હૈયાફૂટા ! ત્યારથી રાવળ બહુ ભુલકણા હોય છે. તેમનાં લગ્નોમાં ‘શેણી-ખીમડની ઘઉંની ઘૂઘરી’ વહેંચવાનો રિવાજ છે.]

[આ કથાના બધા દુહાઓ લેખકના પુસ્તક ‘સોરઠી ગીતકથાઓ’માં આપ્યા છે. ]
આ ફોટો પણ લેખક ઝવેરચંદ મેઘાણીનો છે.

#વાર્તા #ઝવેરચંદ #સૌરાષ્ટ્રનીરસધાર

Address

Vav
385575

Telephone

+917874485521

Website

Alerts

Be the first to know and let us send you an email when આપની સંસ્કૃતિ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share