
19/07/2025
જી.કે.જન. હોસ્પિ.ના મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને પોસ્ટપાર્ટમ સાકોસીસ રોગની અપાઈ સારવાર
::::
- પ્રસૂતિ પછી માતાઓમાં દેખાતા મનોવિકારમાં પારિવારિક સહકાર સાથે મનોચિકિત્સકની સારવાર પણ મહત્વપૂર્ણ
માતા બનવા પછી મહિલા બેહદ નાજુક સ્થિતિમાંથી પસાર થાય છે,ત્યારે પ્રસવોત્તર અર્થાત્ ડિલિવરી પછી મનોવિકારનો (પોસ્ટપાર્ટમ સાયકોસીસ)રોગ પણ મહિલાઓમાં ક્યારેક જોવા મળે છે.જે ખાસ પ્રસૂતિના અંતિમ સમયમાં અગર તો પછી થોડા દિવસોમાં દેખાય છે.અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને સારવાર આપવામાં આવી છે.
આ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડૉ.રિધ્ધિબેન ઠક્કરના જણાવ્યા મુજબ ડિલિવરી પછી ઉદભવતી આ માનસિક અસર થવાનું કારણ હોર્મોનનો બદલાવ,આનુવંશિક અગર તો મનોવૈજ્ઞાનિક હોઈ શકે.મનોચિકિત્સકોએ સારવાર સરળ બનાવવા આ રોગના ત્રણ પ્રકાર પાડ્યા છે.પ્રથમ માઇલ્ડ અર્થાત્ સામાન્ય જેને બ્લુઝ કહેવાય છે. દ્વિતીય માઇલ્ડથી વધુ ડિપ્રેશન પ્રકારનું અને ત્રીજું સીવિયર અગરતો સાયકોસીસ (મનોવિકૃતિ) છે.
મનોચિકત્સકના જણાવ્યા મુજબ, માઇલ્ડમાં પ્રસૂતિ પછી માતાનું વર્તન બદલાયેલું દેખાય છે.જેમાં મૂડ સ્વિંગ મુખ્ય છે અને તેનું પ્રમાણ ૭૦ થી ૭૫ ટકા જોવા મળ્યું છે.જે સામન્ય રીતે જલ્દી રીકવર થઈ જાય છે.પરંતુ કેટલીક વાર એ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે.
રોગ સીવિયર બને ત્યારે માતા વહેમી અને શંકાશીલ બની જાય,બાળકની દેખરેખ ન રાખે , મરી જવાનું મન થાય, ઉંધી ચતી વાતો કરે,અકારણ ગુસ્સો અને સૌથી મહત્વની હકીકત એ સામે આવી છે કે,માતા અને પુત્ર વચ્ચે બોન્ડિંગ અર્થાત્ લગાવ તૂટી જાય છે.જો આ રોગની સારવાર ન થાય અને કુટુંબ ધ્યાન ન આપેતો માતાના લક્ષણો દિકરા દીકરીને પણ ભવિષ્યમાં નુકસાન કરી શકે.માટે સારવાર લેવી ખૂબ જરૂરી બને છે.
પ્રસવોત્તર મનોરોગથી પીડિતાને માનસિક હૂંફની વધુ જરૂર:
પ્રસૂતિ પછી પરિવારનો સહયોગ આવા મનોવિકારમાં વધુ કારગર સાબિત થાય છે.કુટુંબીજનોએ માતામાં આ રોગના લક્ષણો દેખાય તો મનોચિકિત્સકની સલાહ લેવી.ડિલિવરી પછી માતા બાળક પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાથી માતા કે બાળક કોઈને પણ એકલા ન છોડવા.માતાની લાગણી સમજવી, તેને હૂંફ આપવી.બંને માં દીકરાની સંભાળ રખાય તો આ રોગના નિવારણની દિશામાં ઉપયોગી પુરવાર થઈ શકે.