03/25/2021
બાઠિયો લેખ
‘મારી દીકરી વધતી નથી અતુલભાઈ કાંઈક આઈડીયા આપો.’ ભરબજારે એક કાકીએ અતુલને આવો સવાલ કર્યો. અતુલે પૂછ્યું, દીકરીનું નામ શું છે? કાકી કહે, ‘મેઘા.’ અતુલ ક્યે ‘મોંઘવારી રાખી દો, દિવસે નહી વધે એટલી રાત્રે વધશે.’ અતુલનો જવાબ સાંભળી કાકીએ ચાલતી પકડી.
જીવનને ઉંચાઈ સત્કાર્યોથી મળે છે, પરંતુ લંબાઈ ઈશ્વર દત્ત હોય છે. ઉંચાઈ વધારવાના નુસખાઓ માટે કોઈ કોર્ષ કરવાની જરૂર રહેતી નથી. દરેક ઘરે અમુક વાતો બધા જાણતા હોય છે. સાયકલ ચલાવો, દોરડા કૂદો, સૂતા હોય ત્યારે ટપી ને ન જાવ, મીની ઠેકામણી રમો તો ઉંચાઈ વધશે. આવું તો કેટકેટલુ’ય તમે પણ સાંભળ્યુ જ હશે.
ગઠીયા બનવું એના કરતાં બાંઠિયા બનવું સારૂ. અમિતાભ બચ્ચનની હાઈટ જોઈને કેટલાય બાઠિયાઓના કળીયે કળીયે જીવ કપાણા હશે ત્યારે ઈશ્વર બાઠિયાના બ્રાન્ડ એમ્બેસેડર જેવો સચિન તેંડુલકર ઘડવા મજબૂર થયો હશે.
‘લગ્નના ફેરા ફરો ત્યારે વર કન્યાની એક મુઠ્ઠી ઊંચાઈ વધે છે! ડોસીશાસ્ત્રની આ માન્યતા સાચી હશે?’ અતુલે મને કુતુહલવશ પૂછ્યું. મેં કહ્યું ઉંચાઈની ખબર નથી પણ બે’યને ખર્ચો જરૂર વધે છે.
ડોસીશાસ્ત્રમાં અમુક સુધારા કરી અને લેટેસ્ટ ડોસીશાસ્ત્ર નવી ડોસીઓ દ્વારા બહાર પાડવાની જરૂર છે. આ ચોરીના ફેરાથી એક મુઠ્ઠી હાઈટ વધતી હશે એમ માની લઈએ તો વ્યવસ્થાના ભાગ રૂપે જે લોકો અત્યારે બે-ચાર વાર પરણે છે એની તો હાલત થઈ જાય હો!
ત્રણવાર ડિવોર્સ લેનારી પાંચ ફૂટની કન્યા ચોથા લગ્નમાં છ ફૂટ ત્રણ ઈંચની થઈને એન્ટ્રી મારે તો જાનને શું સમજવું? મજાની વાત એ કે પછી હાઈટને લીધે એ ચોથા લગ્ન પણ ગોટે ચડે તો? આ ડોસીશાશ્ત્રની ડોસીઓનું પકડી પકડીને મર્ડર થાય હો!
બાઠિયા હોવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તેને ગમે તે જગ્યાએ જગ્યા મળી જાય છે. એસ.ટી.માં ફૂલ ગીર્દી ચીરીને એક બેને કહ્યું, ‘બાબાને બેસવા દેજો!’ આગળની સીટ પરથી એક ભાઈએ બાબાને સીટનું દાન કર્યું. કલાક પછી બસવાળાઓને જાણ થઈ કે આ બાબો નથી પેલા બેનના બાબાનો બાપો છે.
ભારતીય ક્રિકેટને વિશ્વકક્ષાએ લઈ જવામાં સુનિલ ગાવસ્કરને હાઈટ ક્યાં નડી? વેસ્ટઈંડીઝના લંબુજી કર્ટની વોલ્શ કે એમ્બ્રોસ જયારે બોલીંગ કરતાં અને સચિન બેટિંગ કરતો ત્યારે દાદા-દિકરો રમતા હોય એવું લાગતું; પરંતુ આ બાઠિયા દિકરાએ કૈક દાદાઓને મેદાન પર ઝૂડી નાંખ્યા અને હાઈટવાળાઓને ધૂળ ચાટતા કર્યા છે.
આમિરખાન, રજનીકાંત, ગોવિંદા, જોનીલીવર અને રાજપાલ યાદવની આફ્રિન એક્ટીંગ એ લોકોનું બટકુકડાપણું ભૂલવાડી દે છે. આમ જુઓ તો બોલીવુડના બાઠિયાઓની સફળતા બહું ઉંચાઈ ઉપર છે. તો વળી ગુજરાતના બાહોશ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પદ મેળવવા માટે પુલઅપ્સ કરવાનું કોઈએ પ્રેશર કર્યું નથી.
આટલા સફળ ઉદાહરણો પછી હે વાંચકો! તમને નથી લાગતું કે આપણે આપણી ફેમેલીના બાઠિયાઓને ‘બાઈજ્જત બરી’ કરવા જોઈએ. પરિવારના ઠીંગણા દિકરા દીકરીઓને હાઈટ વધારવાની વણમાંગી સલાહો આપવાનું આપણે બંધ કરીએ એ જ પરિવારની સૌથી મોટી સમાજ સેવા છે. પરિવારમાં છ-છ ફૂટના કેટલા’ય વાંહડા હજી વાંઢા રખડે છે. એ કહેવાતા ઉંચા લોકો (?)એ પણ કશું ઉકાળ્યું નથી તો આ બીચાકડાં નીચા (!) લોકોને આપણે શા માટે પજવીએ છીએ! આપણે જયારે પણ કોઈ ઠીંગણાની મજાક કરીએ છીએ, ત્યારે સૌએ યાદ રાખવું જોઈએ કે આપણે વામન અવતારની મજાક કરીએ છીએ. ઠીંગણી સ્ત્રીઓ શ્રેષ્ઠ ગૃહિણી બને છે અને પરિવારને વફાદાર રહે છે. (અહીં લેખકનો સીધો અંગુલીનિર્દેશ જયા બચ્ચન જ નથી ! સ્વપત્નીનો પણ અનુભવ છે.)
બાઠિયા લોકો જ્યાં સુધી પાતળા હોય છે ત્યાં સુધી જ પ્રોબ્લેમ રહે છે. એ જેવા જાડિયા પાડિયા થઈ જાય એટલે એમની હાઈટ વધે છે. (કારણ કે પગના તળિયા પણ જાડા થાય ને!)
આમ બાઠિયા હોવું એ કોઈ પાપ નથી કારણ કે લાંબા હોવું એ પણ કાંઈ આશીર્વાદ નથી. ઉંચાઈ વધારવાના નુસખાઓમાં સાયકલ ચલાવવી બેસ્ટ છે. પરંતુ સાથે સાથે ઘર પણ ચલાવવાનું છે એ યાદ રહે! ઉંચાઈ માટે દોરડા બેશક કુદવાની છૂટ પણ દોરડે ટીંગાવાની હરગીજ છૂટ નથી. સૂતી વખતે કોઈ આપણાં પરથી ટપીને ન ચાલ્યું જાય એ ધ્યાન રાખવું જ જોઈએ. પરંતુ કોઈ આપણી મર્યાદા ટપી ન જાય એનું ધ્યાન એથી વધુ રાખવાની જરૂર છે. ફેરા ફરતી વખતે મુઠ્ઠી હાઈટ વધે કે ન વધે સામેવાળા પાત્ર માટે મુઠ્ઠી માન વધે તો બેડો પાર થશે હો! બાકી ઉંચાઈ તો જીવનની હોય શરીરની તો લંબાઈ હોય છે. દરવાજાના બારસાખે ટીંગાઈને શરીરની ઉંચાઈ વધી શકે માનસિકતા નહી! જે બાઠિયા લોકો આ લેખ વાંચે છે એ લોકોને વિનંતી કે અપરાધભાવમાંથી બહાર નીકળો અને મોટાઈ મેળવવા કટીબદ્ધ બનો તો ઉંચા ઉંચા લોકો આપમેળે પગે પડશે! શું કયો છો? સાંઈરામના સ્માઈલરામ
ઝટકો:
ઉંચકેલા કૂતરા કરડે નહી.