
04/06/2025
*વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન*
------
*ભાવનગરનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી તથા ઝીરો વોટર વેસ્ટ કેમ્પસ*
------
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભાવનગરમાં ઉચ્ચકોટીનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) વિકસાવામાં આવેલ છે. આરએસસી ભાવનગરનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું છે. આરએસસી ભાવનગર નારીગામ નજીક, અમદાવાદ હાઈવે પર ૨૦ એકર જમીનમાં લીલુછમ વાઈબ્રન્ટ કેમ્પસ ધરાવે છે.
આરએસસી ભાવનગર, લોકોમાં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓમાં સાયન્ટીફીક એપ્રોચ કેળવાય તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, સાયન્ટીફીક એક્સપેરીમેન્ટ, STEM લર્નિંગ, વર્કીંગ મોડેલ્સ તથા ઘણા બધા રાજ્ય સ્તરીય કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડૉ. ગિરીશ કે. ગોસ્વામીના જણાવ્યા મુજબ લોકર્પણથી લઈને આજદિન સુધીમાં, આરએસસી ભાવનગર સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ તરીકે વિકસે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આરએસસી ભાવનગર તથા મુલાકાતીઓના સહયોગથી છેલ્લા 3 વર્ષ થી આરએસસી ભાવનગર સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ બન્યું છે. તેની સાથે આરએસસી ભાવનગર કેમ્પસ ૫૦ KLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ૮૦ KLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવે છે. જેથી આરએસસી ભાવનગર ઝીરો વોટર વેસ્ટ કેમ્પસ છે. તદુપરાંત આરએસસી ખાતે ૧૦૦ KW ક્ષમતાનું રૂફટોપ સોલર પેનલ્સ ધરાવે છે. જેનાથી મહતમ ઉર્જાનો બચાવ પણ કરે છે.
આરએસસી ભાવનગર ખાતે વિવિધ પાંચ ગેલેરી ઉપરાંત 9D વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર, મોટા વિશાળ માછલીઘર, 3D વોલ, પીઝો ઇલેક્ટ્રિક ફ્લોર, ઇન્ટરેક્ટિવ પઝલ, ઓડિટોરિયમ, વિશાળ કેન્ટીન, છોડ અને ફૂલોની વિવિધ જાતો ધરાવતું હરિયાળું કેમ્પસ સાથે વાઇબ્રન્ટ આર્કિટેક્ટ ડિઝાઇન વગેરે જેવા આકર્ષણો ઉપલબ્ધ છે.
આ સેન્ટરના લોકાર્પણથી અત્યાર સુધીમાં અઢી લાખ જેટલાં લોકોએ રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરની મુલાકાત લીધી છે. જેમાં ભાવનગર જિલ્લા તથા આજુબાજુના જિલ્લા અને તાલુકાના શાળાના વિદ્યાર્થીઓ તથા લોકોએ મુલાકાતનો આનંદ માણ્યો છે. આરએસસી ભાવનગરની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા પર્યાવરણ સંરક્ષણ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં છે. જેથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ફેલાઈ રહી છે. આ કેમ્પસ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે કે, જો કોઈપણ સંસ્થા દ્વારા સતત પ્રયત્ન થાય તો તે સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બની શકે. મુલાકાતીઓ દ્વારા કેમ્પસની સ્વચ્છતા અને સુવિધા માટે બહોળા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળ્યો છે.